માઇક્રોસૉફ્ટ કંપનીના સંસ્થાપક બિલ ગેટ્સ અને તેમનાં પત્ની મેલિંડા ગેટ્સે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે અને કહ્યું છે કે “અમને નથી લાગતું કે અમે સાથે આગળ વધી શકીએ.”

27 વર્ષના લગ્નજીવનને ખતમ કરવા વિશે તેમણે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી.
બિલ અને મેલિંડાની મુલાકાત 1980ના દાયકાના અંતમાં ત્યારે થઈ હતી જ્યારે મેલિંડા માઇક્રોસૉફ્ટ કંપનીમાં જોડાયાં હતાં. બંનેનાં ત્રણ બાળકો છે.
બંને સાથે મળીને બિલે એન્ડ ગેટ્સ ફાઉન્ડેશન ચલાવે છે. નિવેદનમાં કહ્યું છે કે બંને સાથે મળીને ફાઉન્ડેશન માટે કામ કરવાનું ચાલુ રાખશે.
સંક્રામિત રોગો સામેની લડાઈ, બાળકોનું રસીકરણ જેવાં ઉદ્દેશો માટે આ સંઠને અબજો રૂપિયા ખર્ચ્યા છે.
દુનિયાના અબજપતિઓએ તેમની ધન પૈકી મોટો હિસ્સો સારા સામાજિક ઉદ્દેશો માટે ખર્ચવા જોઈએ, આ વિચાર પાછળ બિલ અને મેલિંડા ગેટ્સ અને રોકાણકાર વૉરન બફેટ જ હતા.
ફોર્બ્સની યાદી પ્રમાણે બિલ ગેટ્સ 124 બિલિયન ડૉલર સાથે વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ છે.
વિશ્વની સૌથી મોટી સૉફ્ટવેર કંપની માઇક્રોસૉફ્ટના તેઓ 1970માં કૉ-ફાઉન્ડર હતા, આ કંપની જ તેમની કમાણીનો સ્રોત રહ્યો છે.
ટ્વિટર પર છૂટાછેડાની જાહેરાત
તેમણે ટ્વિટર પર એક નિવેદન જારી કર્યું અને કહ્યું કે “ઘણું સમજ્યા-વિચાર્યા બાદ અને અમારા સંબંધ પર કામ કર્યા બાદ અમે અમારાં લગ્નને ખતમ કરવાનો નિર્ણય લીધો છે.”
તેમાં તેમણે લખ્યું છે, “છેલ્લાં 27 વર્ષમાં અમે ત્રણ બાળકોને ઉછેર્યાં અને ફાઉન્ડેશન બનાવ્યું, જે લોકોને સ્વસ્થ અને ફળદાયી જીવન આપવા માટે વિશ્વભરમાં કાર્યરત્ છે.”
“અમને આ મિશનમાં હજી પણ વિશ્વાસ છે અને ફાઉન્ડેશન માટે અમે જોડે કામ કરતાં રહીશું, પણ અમે સાથે એક યુગલ તરીકે જિંદગીમાં આગળ વધી શકીએ એવું અમને નથી લાગતું.”
બિલ અને મેલિંડા ગેટ્સની પ્રેમકહાણી અને લગ્નજીવન
મેલિંડા વર્ષ 1987માં માઇક્રોસૉફ્ટ કંપનીમાં પ્રોડક્ટ મૅનેજર તરીકે જોડાયાં હતાં, એ વર્ષે જ ન્યૂ યૉર્કમાં બિલ અને મેલિંડા બિઝનેસ ડિનરમાં સાથે બેઠાં હતાં.
બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. બિલ નેટફ્લિક્સ ડૉક્યુમૅન્ટરીમાં કહે છે:
“અમને એકબીજાની બહું જ પરવા હતી અને માત્ર બે જ શક્યતાઓ હતી: અમે બ્રેકઅપ કરી લીધું હોત અથવા અમે લગ્ન કરી લીધાં હોત.”
વર્ષ 1994માં તેમણે હવાઈના ટાપુ લાનાઈ પર લગ્ન કર્યાં હતાં, અહેવાલો પ્રમાણે તેમણે સ્થાનિક તમામ હેલિકૉપ્ટર ભાડે લઈ લીધાં હતાં, જેથી નહીં નોતરાયેલા મહેમાનો આવી ન પહોંચે.
પાછલા વર્ષે બિલ ગેટ્સ દાનકાર્યની પ્રવૃત્તિ કરવા માટે માઇક્રસૉફ્ટના બોર્ડની જવાબદારીમાંથી મુક્ત થયા હતા.